નાયબ મુખ્‍યમંત્રી તથા નાણા, માર્ગ અને મકાન તથા આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી નીતિન પટેલના હસ્‍તે બનાસકાંઠા જીલ્‍લામાં રૂ. 291 કરોડના ખર્ચથી નિર્માણ થનાર રસ્‍તા, પુલ વગેરે કામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવામાં આવ્‍યું હતું.

નાયબ મુખ્‍યમંત્રીના હસ્‍તે પાલનપુરથી-દાંતા-અંબાજી ફોરલેન રસ્‍તાનું તથા દાંતાથી આંબાઘાટા રસ્‍તાને ફોરલેન બનાવવાના કામનું અને યાત્રાધામ અંબાજી મુકામે નવિન અતિથિગૃહ બનાવવાના કામનું ખાતમુર્હૂત કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત રામપુરા (વડલા) એપ્રોચ રસ્‍તા ઉપર મેઝર બ્રિજનું અને વિરમપુર-ઘોડા-ગાજી રસ્‍તા ઉપરના પુલની કામગીરીનું નાયબ મુખ્‍યમંત્રીના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે અંબાજી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિશાળ જનમેદનીને સંબોધતાં નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે જણાવ્‍યું હતું કે અંબાજી તીર્થસ્‍થાન કરોડો માઇભકતોની શ્રધ્‍ધા અને ભક્તિનું પરમ પવિત્ર તીર્થસ્‍થાન છે. અહીં લાખો માઇભકતો ગુજરાત અને દેશભરમાંથી દર્શનાર્થે આવે છે ત્‍યારે સારા રસ્‍તાઓ બનવાથી યાત્રિકોને તે વધુ ઉપયોગી નિવડશે. તેમણે કહ્યું કે સારા રસ્‍તાઓ બનવાથી તે વિસ્‍તારોને ઝડપી વિકાસની સુવર્ણતક મળે છે. નાયબ મુખ્‍યમંત્રીએ કહ્યું કે વિધાનસભામાં બજેટ રજુ કર્યુ ત્‍યારે રાજયના તમામ યાત્રાધામોને ચારમાર્ગીય રસ્‍તાઓથી સાંકળી લેવા નક્કી કર્યુ હતુ તે હવે સાકાર થઇ રહ્યું છે. રાજયમાં ચાલતા રસ્‍તાના કામોની તેમણે વિગતો આપી હતી.